'હાય હાય મોદી' ગાતી મહિલાઓનો જુનો વિડીયો ગુજરાતની ચૂંટણીથી જોડી વાયરલ
BOOM ની તપાસમાં બહાર આવ્યુ કે આ વિડીયો અત્યારનો નથી પણ 2017થી ઈન્ટરનેટ પર ફરી રહ્યો છે
સોશિયલ મિડીયાનો એક વિડીયો હાલ વાયરલ છે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ કોઇ એક ગીત ગાતી જોવા મળી રહી છે. વિડીયોને હાલમાં ગુજરાતની ચૂંટણીના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોડીને એવો દાવો કરાઈ રહ્યો છે મહિલાઓ પીએમ મોદીને કોસી રહી છે.
વિડીયોમાં ગવાયેલા ગીતને ધ્યાનથી સાંભળતા તેમાં 'હાય હાય મોદી' સંભળાઈ રહ્યુ છે. વિડીયો તાજેતરનો હોવાનુ કહીને સોશિયલ મિડીયાના યુઝર શેર કરી રહ્યા છે.
BOOM એ પોતાની તપાસમાં શોધી કાઢ્યુ કે આ વાયરલ વિડીયો અત્યારનો નથી પણ 2017નો છે.
ફેસબુક પર એક યુઝરે વિડીયો શેર કરતા લખ્યુ હતુ કે, 'મોદી હાય હાય મોદી, આ અમે નહિ પણ ગુજરાતની મહિલાઓ કહી રહી છે'
ટ્વીટર પર પણ આ વિડીયો આ જ દાવાથી વાયરલ કરાઈ રહ્યો છે
ફેક્ટ ચેક
BOOM એ સૌથી પહેલા વિડીયોમાં રહેલા કીવર્ડ સર્ચ કર્યા તો વિડીયોની ખરાઈ કરતા હોય તેવા કોઇ અહેવાલ મળ્યા ન હતા. જો કે આ જ રીતે ગાતી મહિલાઓનો 3 વર્ષ જૂનો એક વિડીયો મળ્યો હતો. વિડીયો ગુજરાતના અરવલ્વી જિલ્લાના મોડાસામાં સફાઈ કર્મચારીઓના વિરોધ પ્રદર્શનનો હોવાનુ બતાવાયુ છે. આ વિડીયો વાયરલ વિડીયોથી ઘણો અલગ છે.
વાયરલ વિડીયોમાંથી સ્ક્રીનગ્રેબ કાઢીને સર્ચ કરવામાં આવતા યુટ્યુબ પર 7 ડિસેમ્બર 2017નો અપલોડ કરેલો વિડીયો મળ્યો જે આ વિડીયો જેવો હતો. વિડિયોનું શિર્ષક હતુ 'ગુજરાત ચૂંટણી : મોદી હાય હાયના નારા ગુંજ્યા'
વધુ સર્ચ કરતા 4 ઓક્ટોબર 2017નુ એક ટ્વીટ મળ્યુ જેમાં આવો જ વિડીયો હતો. ટવીટમાં વિડીયોમાં તે સ્થળ ક્યાનુ છે અને મહિલાઓ શા માટે મોદીને કોસી રહી છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
'વિકાસ ગાંડો થયો છે, મોદીના મરસિયા' આ કેપ્શન સાથે 1 ઓક્ટોબર 2017નુ વધુ એક ટ્વીટ મળ્યુ તેમાં પણ આ વિડીયો હતો. પીએમ મોદીને ટાર્ગેટ કરીને કરાયેલા ટવીટના વિડીયો મામલે પણ કોઇ માહિતી અપાઈ નથી.
આ તમામ ટ્વીટથી સ્પષ્ટ થાય છે કે આ વિડીયો 2017થી જ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને તેનો હાલની ગુજરાત ચૂંટણી સાથે કોઇ લેવા દેવા નથી. શક્યતા છે કે આ વિડીયો તેના કરતા પણ વધુ સમયથી ઈન્ટરનેટ પર હોય, બુમ સ્વતંત્ર રીતે આ મામલે પુષ્ટી કરતુ નથી.