પશ્ચિમ બંગાળના જૂના વિડીયોઓને ગુજરાત ચૂંટણીમાં બોગસ વોટિંગ બતાવી ફરતો કરાયો
BOOM એ શોધી કાઢ્યુ કે આ ઘટના પશ્ચિમ બંગાળની દક્ષિણ ડમડમ નગરપાલિકાની ચૂંટણીનો છે જે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાઈ હતી.
પશ્ચિમ બંગાળનો એક જૂનો વિડીયો જેમાં નગરપાલિકાની ચૂંટણીમાં બોગસ વોટિંગ થઈ રહ્યુ છે તે વિડીયોને વોટ્સએપ પર એવા ખોટા દાવા સાથે ફરતો કરાયો છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠકમાં બોગસ મતદાન થઈ રહ્યુ છે.
BOOM એ શોધી કાઢ્યુ કે આ વિડીયો પશ્ચિમ બંગાળના દક્ષિણ ડમડમ વિસ્તારના મતદાન મથકનો છે અને તે ફેબ્રુઆરીમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણી વખતે રેકોર્ડ કરાયો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન 1 ડિસેમ્બર 2022ના હતુ જેમાં 182માંથી 89 બેઠકો પર મતદાન રાખવામાં આવ્યુ હતુ. અહેવાલો મુજબ સાંજે 5 વાગ્યા સુધીમાં 19 જિલ્લાઓમાં સરેરાશ 56.88 ટકા મતદાન નોંધાયુ હતું. વિડીયોને આ મતદાન સાથે જોડીને ફરતો કરાયો છે.
વિડીયોમાં દેખાય છે કે પોલિંગ એજન્ટ ટેબલ પર બેઠો છે અને તેના હાથમાં મતદાર યાદી છે, જ્યારે વાદળી રંગના ટી-શર્ટ પહેરેલી બીજી એક વ્યક્તિ મતકુટિર પાસે ઉભો છે. મતકુટિર પાસે ઉભો શખસ ઈવીએમ(ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પરના બટન દબાવી રહ્યો છે અને આ રીતે અલગ અલગ મતદારોના મત પોતે પાડી રહ્યો છે.
આ વિડીયોને શેર કરીને તેના કેપ્શનમાં લખ્યુ છે કે, બોગસ વોટિંગ ચાલુ થઈ ગયુ છે આવી છેતરપિંડી કરનારાઓને જેલ થવી જોઈએ. વિડીયો વરાછા વિસ્તારનો છે અને ક્યા બુથનો છે તેની તપાસ ચાલુ છે.
(અસલ કેપ્શન : બોગસ વોટિંગ ચાલુ થઈ ગયુ છે. આવા ચીટરોને શોધીને જેલ ભેગા કરો વિડિયો વરાછા વિસ્તારનો છે. ક્યાં પોલિંગ બુથનો છે ઇ તપાસ ચાલુ છે)
આ વિડીયો ટવીટર પર પણ ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
પોસ્ટ જોવા અહિં ક્લીક કરો.
પોસ્ટ જોવા અહિં ક્લીક કરો.
ફેક્ટ ચેક
BOOM એ શોધી કાઢ્યુ કે આ દાવો તદ્દન ખોટો છે અને વિડીયો ગુજરાતનો નહિ પણ પશ્ચિમ બંગાળનો છે.
અમે સૌથી પહેલા એ નોંધ લીધી કે જે શખસો વિડીયોમાં છે તે બંગાળી ભાષા બોલી રહ્યા છે. જો આ વિડીયો ગુજરાતનો હોય તો લોકો ગુજરાતી બોલતા હોવા જોઈએ અથવા તો હિંદી બોલતા હોવા જોઈએ.
આ શંકા બાદ અમે વિડીયોના અમુક હિસ્સાને આધારે રીવર્સ ઈમેજ સર્ચ કરતા અમે TV9 બંગ્લા ન્યુઝના તા. 27 ફેબ્રુઆરી 2022ના બુલેટિન સુધી પહોંચ્યા હતા. યુટ્યુબ પોસ્ટની આ તારીખે જ પશ્ચિમ બંગાળમાં નગરપાલિકાની ચૂંટણી થઈ હતી.
વિડીયોની વિગતમાં બંગાળી ભાષામાં લખ્યુ છે 'દક્ષિણ ડમડમના વોર્ડ નં. 33ના બુથ નં. 108માં મતદાતા નહિ પણ એજન્ટ મત આપી રહ્યા છે'
TV9 બંગ્લાના વધુ એક અહેવાલ મુજબ મતદારને બદલે પોલિંગ એજન્ટે મત નાખ્યાની ઘટના દક્ષિણ ડમડમની લેક વ્યુ સ્કૂલમાં બની હતી. એહવાલમાં એ પણ જણાવ્યુ છે કે આ સમગ્ર ઘટનાક્રમ પોલિંગ બુથમાં પ્રિસાઈડિંગ ઓફિસરની હાજરીમાં થયો હતો.
વિરોધ પક્ષ જેવા કે સીપીઆઈ-એમ, ભાજપ અને કોંગ્રેસે આ ઘટનાને લઈને તૃણમૃત કોંગ્રેસ(ટીએમસી)ની ખોરી નિતી ગણાવી આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમ બંગાળની નગરપાલીકાની ચૂંટણીઓમાં શાસક પક્ષ ભારે ગેરરીતી કરી રહ્યો છે.